અમરેલી 3 સપ્ટેમ્બર (હિ.સ.)અમરેલી જિલ્લો કૃષિ, વેપાર અને ગ્રામ્ય જીવન માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. અહીંના ખેડૂતો અને ગૃહિણીઓ રોજિંદા જીવનની સમસ્યાઓનો સામનો કરી પોતાના પરિવાર માટે સારું ભવિષ્ય સર્જવા પ્રયત્નશીલ રહે છે. આવા જ જિલ્લાની અંદર આવેલા અમરેલી તાલુકાના ઈશ્વર્યા ગામે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ઈશ્વર્યા ગામ અમરેલી જિલ્લાના ઇતિહાસમાં એવુ પ્રથમ ગામ બની ગયું છે જ્યાં ગેસ લાઈન દ્વારા સીધું જ ઘરો સુધી ગેસ સપ્લાય પહોંચાડવામાં આવ્યો છે.
અગાઉના સમયમાં ઈશ્વર્યા ગામની મહિલાઓને ગેસની બોટલ માટે ઘણી મુશ્કેલી અનુભવવી પડતી હતી. ગામની અંદર ઘણી વખત બોટલ ઉપલબ્ધ ન રહેતી અને જો બોટલ ખાલી થઈ જાય તો અમરેલી શહેર સુધી જવું પડતું. ગામથી શહેરનું અંતર લગભગ આઠ કિલોમીટર જેટલું હોવાથી ગેસની બોટલ મેળવવી એ ગૃહિણીઓ માટે મોટું પડકારરૂપ બનતું. ક્યારેક તો ગેસ ખૂટવાથી ઘરમાં રસોઈ માટે સમયસર જમવાનું પણ તૈયાર ન થઈ શકતું.
હવે આ સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. ઈશ્વર્યા ગામમાં ગેસ લાઈન ફીટ થવાથી દરેક ઘરમાં સીધો જ ગેસ સપ્લાય શરૂ થયો છે. આ સુવિધાથી ખાસ કરીને ગામની મહિલાઓને મોટી રાહત મળી છે. શિલ્પાબેન વામજા, જે ગામની જ ગૃહિણી છે, તેમણે જણાવ્યું કે, પહેલાં ગેસની બોટલ પૂરતી ન પડતી ત્યારે ઘણી મુશ્કેલી પડતી. પરંતુ હવે ગેસ લાઈન હોવાના કારણે ગેસ 24 કલાક ઉપલબ્ધ રહે છે અને મહિલાઓને રસોઈમાં કોઈ વિક્ષેપ પડતો નથી.
કાશ્મીરાબેન શૈલેષભાઈએ પણ જણાવ્યું કે, ગામની અંદર ગેસ લાઈન નાખ્યા પછી બિલમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પહેલા બોટલથી રસોઈ બનાવવામાં બિલ વધારે આવતું હતું. હવે સતત ગેસ સપ્લાય મળવાથી સસ્તામાં, સરળતાથી અને ઝડપથી રસોઈનું કામ પૂર્ણ થઈ જાય છે. આ પરિવર્તનથી ગામની મહિલાઓને રોજિંદા જીવનમાં મોટી સુવિધા મળી છે.
આ પહેલને માત્ર સુવિધા તરીકે નહીં પરંતુ એક સામાજિક પરિવર્તન તરીકે પણ જોવામાં આવે છે. ઈશ્વર્યા ગામની ગેસ લાઈન પ્રોજેક્ટે દર્શાવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે અને ગૃહિણીઓના જીવનમાં સહજતા લાવી શકાય છે.
ગામની મહિલાઓ માટે આ પ્રોજેક્ટ આશીર્વાદ સમાન સાબિત થયો છે. હવે તેઓને બોટલ લેવા માટે વારંવાર દુકાન કે શહેર સુધી જવું પડતું નથી. સમયની બચત થવાને કારણે મહિલાઓ પોતાના ઘરના અન્ય કામકાજમાં વધુ સમય આપી શકે છે. બાળકોની સંભાળ, ખેતીમાં મદદ કે પછી નાના ધંધા–વેપારમાં હાથ બગાડવા માટે મહિલાઓ પાસે વધારાનો સમય ઉપલબ્ધ થાય છે.
ઈશ્વર્યા ગામમાં શરૂ થયેલી આ ગેસ લાઈન સુવિધા હવે સમગ્ર જિલ્લામાં એક ઉદાહરણરૂપ બની ગઈ છે. અન્ય ગામોના લોકો પણ ઈચ્છે છે કે, આ પ્રકારની સુવિધા તેમના ગામમાં પણ ઉપલબ્ધ થાય. આ પ્રોજેક્ટથી સાબિત થાય છે કે ગ્રામ્ય વિકાસ માટે નવીન ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરવાથી લોકોના જીવન સ્તરમાં સુધારો આવી શકે છે.
અમરેલી જિલ્લાનું ઈશ્વર્યા ગામ હવે ગૌરવભેર કહી શકે છે કે, તે જિલ્લાનું એવું પ્રથમ ગામ છે જ્યાં મહિલાઓ માટે ગેસ લાઈનની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ સુવિધા માત્ર ગૃહિણીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ગામના પરિવારો માટે એક નવી દિશા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai