મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.)
મહેસાણા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાઈ, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર પરિવહન સુવિધાના વિકાસ માટે નવીન બસોનું લોકાપર્ણ કર્યું. સાથે સાથે ભાદરવી પૂનમના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને યાત્રિકોને સુવિધા મળે તે માટે વધારાની બસોનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સતત પરિવહન સેવાઓને વધુ મજબૂત અને જનકેન્દ્રિત બનાવવા પ્રયત્નશીલ છે. ખાસ કરીને ધાર્મિક મેળાઓ અને વિશાળ જનસંગ્રહના પ્રસંગોએ યાત્રિકોને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે વધારાની બસો દોડાવવામાં આવે છે.
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ, પરિવહન વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવીન બસોના લોકાર્પણથી મુસાફરોને સુરક્ષિત, આરામદાયક તથા સમયસરની સેવાઓ મળી રહેશે તેવી અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR