અમરેલી 3 સપ્ટેમ્બર (હિ.સ.) મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની બહેનો કલા ક્ષેત્રમાં સતત પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. તાજેતરમાં યોજાયેલી કલા મહાકુંભ સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
ટી.વાય. બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પઠાણ સુનેરાએ ગઝલ શાયરી લેખન સ્પર્ધામાં પોતાની કળા રજૂ કરીને જિલ્લા કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો. તેમની આ સિદ્ધિ સાહિત્યક્ષેત્રમાં તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રતિબિંબ છે. બીજી તરફ એફ.વાય. બી.એ.ની વિદ્યાર્થીની ભીસરીયા ગાયત્રીએ તાલુકા કક્ષાએ યોજાયેલી એક પાત્રિય અભિનય સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું. તેમના અભિનયને જજોએ વિશેષ બિરદાવ્યો હતો.
વિદ્યાર્થિનીઓની આ સફળતા પાછળ કોલેજના પ્રાધ્યાપકોનું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતનો મહત્વનો હિસ્સો રહેલો છે. આ સફળતા માત્ર વિદ્યાર્થીનીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર કોલેજ માટે ગૌરવની બાબત છે. કોલેજ પરિવારએ તેમને અભિનંદન પાઠવતા ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ આવું જ ગૌરવ મેળવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai