સુરત, 3 સપ્ટેમ્બર (હિ.સ.)- સચીન પલસાણા રોડ, પારડી કણદે ખાતે વૂંદાવન ઍસ્ટેટમાં આવેલ શ્રી ચામુંડા સ્કેફ ફોલ્ડીંગ નામના ફર્મમાંથી કાકડીયા દંપતિ સહિત ત્રણ જણાઍ સેન્ટીંગ પ્લેટો ભાડે લીધા બાદ તેના ભાડાના રૂપિયા 18.18 લાખ નહી ચુકવી છેતરપિંડી કરી હતી.
પાલ, ગેલેક્ષી સર્કલ પાસે, શ્રી મરૂઘર રેસીડેન્સીમાં રહેતા 48 વર્ષીય રાજેન્દ્રસિંહ મોહનસિંહ શેખાવત સચીન પલસાણા રોડ, પારડી કણદે, ભેસ્તાન ખાતે વૂંદાવન ઍસ્ટેટમાં શ્રી ચામુંડા સ્કેïફ ફોલ્ડીંગ ફર્મના નામે સેન્ટીંગ પ્લેટો ભાડે આપે છે. મૂળ રાજસ્થાનના શિકરના વતની રાજેન્દ્રસિંગ પાસે 27 ફેબ્રુઆરીના રોજ પ્રતિક ભરત કાકડીયા, તેની પત્ની ચંદ્રીકાબેન કાકડીયા (રહે, શ્યામધામ સોસાયટી, શ્યામધામ ચોક, પુણાગામ) અને વિનોદ વિરજી ખુંટ (રહે,ગંગૌત્રી સોસાયટી, ચીકુવાડી,નાના વરાછા) મળવા માટે આવ્યા હતા.
પ્રતિકે પોતે અયાન ઍન્ટરપ્રાઈઝના નામથી પેઢી ચલાવી વેપાર ધંધો કરતો હોવાની ઓળખ આપી તેમને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ 6 મે સુધીમાં અલગ અલગ તારીખ અને સમયે સેન્ટીંગ પ્લેટો ભાડેથી લીધી હતી. જે સેન્ટીંગ પ્લેટના ભાડાના રૂપિયા 18,18,776ની ઉઘરાણી કરતા શરુઆતમાં આપી દેવાના વાયદાઓ આપ્યા બાદ મોબાઈલ બંધ કરી છેતરપિંડી કરી હતી. ભેસ્તાન પોલીસે રાજેન્દ્રસિંહની ફરિયાદ લઈ કાકડીયા દંપતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે