સુરત, 3 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રે 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બે અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે પંડાલોમાં ઘૂસીને પૂજાના સાધનો અને અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ દારૂખાના રોડ પર એક પંડાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ખંડિત કરતા સવારે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. કોઈ અઘટિત ઘટના ન અને તે માટે બનાવની જાણ થતાંની સાથે જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની અલગ અલગ ટિમો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
સમગ્ર બનાવની વિગત એવી છે કે મહિધરપુરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ગણેશજીની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી છે. મોડીરાત્રે બે વાગ્યા સુધી શહેરીજનો આ તમામ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ જોવા અને દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. જોકે રાત્રે બેથી ત્રણ વાગ્યા બાદ લોકોની ભીડ ઓછી થતી હોય છે. શહેરમાં કોઈપણ અણબનાવ ન બને તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન ગતરોજ મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં અજાણ્યા ચોર ઈસમો દ્વારા ગણેશ પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બેગમપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા 8 ગણેશ પંડાલોને બંને ઈસમોએ નિશાન બનાવી ચોરી કરી હતી. જેમાં તેઓ પંડાલમાં પ્રવેશ્યા બાદ ચાંદીની મૂર્તિ, દીવા, રોકડ અને સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ચોરીની આ ઘટના દરમિયાન દારૂખાના રોડ પર એક જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખંડિત પણ થઇ હતી. જેથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહિધરપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટિમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા નજરે પડ્યા છે. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરુ કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આસપાસના તમામ વિસ્તારોમાં સઘન ચેકીંગ સાથે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તમામ પંડાલોમાં ચોરી કરનાર અને ગણેશજીની મૂર્તિ ખંડિત કરનાર આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણી નામના બંને ઈસમોને ચોરીના તમામ મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા
ચોરીની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કાંતિભાઈ બલર અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી અને પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'આવી પવિત્ર જગ્યાએ ચોરી થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પોલીસને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી આરોપીઓને પકડી પાડી કડકમાં કડક સજા આપે. જોકે પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ બંને ઈસમોને પકડી પાડ્યા છે.
લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી
મોડીરાત્રે ચોરી કરવા આવેલા તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિને ખંડિત કરતા લોકોએ સવારે ખંડિત મૂર્તિને વિધિવત રીતે દૂર કરી પૂજા અર્ચના સાથે નવી મૂર્તિની સ્થાપના કરી હતી. ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા હતા. ત્યાર બાદ બંને ઈસમોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હતો. માત્ર 50 મીટર નજીક આવેલી ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે.
આ ઘટના ચોરીની છે, ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નથી : ડીસીપી રાઘવ જૈન
લોકોનો રોષ પારખી સમયસર ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી. આન મામલે ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને એનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. તેમણે જણાવ્યું હતું કે “અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે. આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. પોલીસે આયોજકો, સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકો બાદ સ્થાનિક લોકોએ ગણેશ પંડાલોમાં આરતી પણ કરી હતી. જે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંકેત આપે છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે