મહેસાણા જિલ્લામાં પ્રોજેક્ટ રોચક અંતર્ગત, 20 ગામમાંથી 10 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરાયો, રિસાયક્લિંગ કરાશે
મહેસાણા,૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ONGC અને અમદાવાદના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા મહેસાણા જિલ્લામાં પ્રોજેક્ટ રોચકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક રિસાયક્લિંગના હેતુ સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણ
મહેસાણા જિલ્લામાં પ્રોજેક્ટ રોચક અંતર્ગત, 20 ગામમાંથી 10 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરાયો, રિસાયક્લિંગ કરાશે


મહેસાણા,૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ONGC અને અમદાવાદના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા મહેસાણા જિલ્લામાં પ્રોજેક્ટ રોચકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક રિસાયક્લિંગના હેતુ સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા જિલ્લાના 20 ગામોમાંથી લગભગ 10 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરાયો છે.

મહેસાણા જિલ્લામાં ONGC અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) દ્વારા હાથ ધરાયેલા ‘પ્રોજેક્ટ રોચક’ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ બની રહી છે. પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક રિસાયક્લિંગના હેતુ સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા જિલ્લાના 20 ગામોમાંથી લગભગ 10 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવ્યો છે.

આજના સમયમાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહ્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહેલ થવી માત્ર પ્રશંસનીય જ નથી, પરંતુ લોકો માટે પ્રેરણાદાયક છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર પ્લાસ્ટિક કચરો ઓછો કરવાનો નથી, પણ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના જગાવવી અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવું છે.

જોટાણા તાલુકાના સુરજ ગામે આ પ્રોજેક્ટની શરૂઆત ખાસ ફ્લેગ ઓફ કાર્યક્રમથી થઈ હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનોને પ્લાસ્ટિકના હાનિકારક અસરો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણ, પાણી, જમીન અને માનવ આરોગ્ય પર કેવી રીતે નકારાત્મક અસર કરે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

પ્રોજેક્ટ રોચક અભિયાન દરમિયાન ગામોમાં લોકોએ, ખાસ કરીને મહિલાઓ, યુવાનોએ અને શાળા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. ગામમાં મહિલાઓના મંડળો સક્રિય બન્યા અને ઘર-ઘરથી પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ શાળામાંથી પ્લાસ્ટિક એકત્રિત કરવાનો સંદેશ આપ્યો અને પોતાના પરિવારજનોને પણ આ કાર્યમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. કસલપુરા ગામના કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું કે તેઓ આ પહેલમાં સક્રિય રીતે જોડાયા છે અને પોતાના ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કાર્યરત છે. આવી પ્રવૃત્તિઓ ગામને સ્વચ્છતા તરફ લઈ જાય છે અને લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ ઊભી કરે છે.

આ પ્રોજેક્ટ માત્ર કચરો એકત્રિત કરવાનો પ્રયાસ નથી, પરંતુ ગામડાઓમાં નવું પર્યાવરણ સંરક્ષણ મોડેલ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. એકત્રિત કરાયેલા 10 ટન પ્લાસ્ટિકને યોગ્ય રીતે રિસાયક્લિંગ માટે મોકલવાથી પર્યાવરણ પર સકારાત્મક અસર થશે અને પ્લાસ્ટિક કચરાથી સંકળાયેલી આરોગ્ય સમસ્યાઓમાં ઘટાડો થશે. ONGC અને CEEના પ્રતિનિધિઓએ જણાવ્યું કે પ્લાસ્ટિકના યોગ્ય મેનેજમેન્ટથી ન માત્ર પર્યાવરણ જાળવી શકાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય પર પણ સકારાત્મક અસર પડશે.

પ્રોજેક્ટ રોચક દ્વારા એકત્રિત થયેલ 10 ટન પ્લાસ્ટિક કચરું માત્ર એક આંકડો નથી, પરંતુ તે ગામડાંના લોકોની સંયુક્ત મહેનત અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે. આ પહેલ દ્વારા ભવિષ્યમાં સ્વચ્છ અને હરિત ગામડાંઓનું સપનું સાકાર થવાની આશા છે. ગ્રામ્ય સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે આવા અભિયાનોએ એક નવો રસ્તો બતાવ્યો છે અને મહેસાણાની આ પહેલ આખા ગુજરાત માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande