પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના રાધનપુરમાં પોલીસે Cricket Match પર ચાલતા ઓનલાઈન સટ્ટાના નેટવર્કનો ભંડાફોડ કર્યો છે. બાતમીના આધારે, મીરાં દરવાજા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય સાહિલ સલીમભાઇ મોરવાડીયાને રંગે હાથ ઝડપ્યો હતો. આરોપી પાસેથી રૂ. 50,000 કિંમતનો મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સાહિલ 'XUV777' નામની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં પોતાની આઈડી અને પાસવર્ડથી ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ દરમિયાન દર બદલાતા સટ્ટા રમાડતો હતો. એ જુદી જુદી મેચોમાં ટીમોની હાર-જીત પર રૂપિયાની હારજીત કરાવતો હતો.
સાહિલે કબૂલ્યું છે કે તે ID અને પાસવર્ડ રાધનપુર ટાવર પાસે રહેતા ભરત ઉર્ફે કેશો રામચંદભાઈ મોચી પાસેથી મળ્યા હતા. જોકે, પોલીસ દરોડાની જાણ થતાં મુખ્ય આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બંને સામે જુગારધારા કલમ 12-અ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને ફરાર આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ