પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા આર્મી રિક્રૂટિંગ ઓફિસ, જામનગરના સહયોગથી એમ.ઈ.એમ. સ્કૂલ, પોરબંદર ખાતે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેબિનારમાં એમ.ઈ.એમ. સ્કૂલના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ગૂગલ મીટ દ્વારા ઓનલાઈન જોડાઈને આર્મી રિક્રૂટિંગ ઓફિસર મેજર બાલા કૃષ્ણન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેબિનારમાં ભારતીય સેનામાં અગ્નિવીર તથા ઓફિસર લેવલની (N.D.A. તથા T.E.S.) વિવિધ કેટેગરીઝની જોબ પ્રોફાઇલ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સેનામાં ભરતી પ્રક્રિયા જેવી કે શારીરિક ક્ષમતા કસોટી, દાક્તરી પરીક્ષા તેમજ સામાન્ય પ્રવેશ પરીક્ષા (થિયોરેટિકલ) વિષે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મેજર બાલા કૃષ્ણન દ્વારા અગ્નિવીરને મળતા પગાર-ભથ્થાં તથા અન્ય સુવિધાઓ અંગે વિગતવાર સમજાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
વેબિનાર અંતર્ગત પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. આ વેબિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇને લાભ મેળવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya