મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ દૂધસાગર ડેરીમાં આવનારી ચૂંટણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. વર્તમાન ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ઠાકોર સમાજના પશુપાલકોએ ગંભીર આક્ષેપો કરતા જિલ્લા કલેક્ટર અને રજીસ્ટ્રારને આવેદનપત્ર સુપરત કર્યું છે.
આવેદનમાં જણાવ્યા મુજબ, ડેરી ચેરમેન દ્વારા ઠાકોર સમાજના પશુપાલકો સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. સાથે જ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે મંડળીઓ પર ગેરકાયદે વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સમાજના પ્રતિનિધિઓએ કહ્યું છે કે આ પગલાં લોકશાહી મૂલ્યોના વિરોધમાં છે અને ચૂંટણીમાં અસમાનતા ઊભી કરવાનો પ્રયાસ છે.
પશુપાલકોએ માગણી કરી છે કે આ પ્રકારની ગેરરીતિઓને તરત અટકાવવામાં આવે, ન્યાયસંગત વાતાવરણમાં ચૂંટણી યોજાય અને તમામ સમાજોને સમાન તકો આપવામાં આવે. જિલ્લા કલેક્ટર અને રજીસ્ટ્રારને આપવામાં આવેલા આવેદનમાં આ મુદ્દાની તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.
આ બનાવને પગલે ડેરીની રાજકીય ગતિવિધિઓ ફરી ચર્ચામાં આવી છે અને ચૂંટણી પૂર્વે ઉગ્ર માહોલ સર્જાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR