ગાંધીનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રીની આઠમી રાત્રે કલ્ચરલના ગરબામાં રંગ જામ્યો
વાદલળી વરસી રે...ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગ છલી વળ્યાં...
ગાંધીનગરમાં નવરાત્રીની આઠમી રાત્રીએ આભમાંથી ફોરાં વરસી રહ્યા હોવા છતાં ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ઉમટી પડેલા ખેલૈયાઓનો ઉત્સાહ જરાય મોળો પડ્યો ન હતો. ગાયક કલાકારો માટે સ્ટેજ પર કૅનોપીનું છત્ર ઉભું કરવામાં આવ્યું હતું. ગાયક કલાકારો અને સંગીતકારોએ વરસતા વરસાદમાં ગરબા ગયા હતા અને ખેલૈયાઓ મન ભરીને ગરબે રમ્યા હતા.
વરસાદ નવરાત્રીના રંગમાં ભંગ પાડે એ ખેલૈયાઓને હરગીઝ મંજૂર નથી. મા ને હવે એક જ અરજ છે કે, હે મા... આભમાંથી કૃપા વરસાવ, વરસાદ નહીં.
ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં આઠમી રાત્રીએ સિધ્ધરાજ ગ્રુપના ચેતનભાઇ પટેલ અને ભક્તિબેન પટેલ તથા શિક્ષાપત્રી ગ્રુપના વિષ્ણુભાઈ ચૌધરી, પૂર્વીબેન અને બાદલભાઈએ માતાજીની આરતી ઉતારી હતી. ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ (દાસ), ડિરેક્ટર મનુભાઈ પટેલ, કિરણભાઈ પટેલ અને નરેશભાઈ દવેએ માતાજીની આરતી ઉતારી હતી.
હિન્દી ફિલ્મના મશહૂર અભિનેતા જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ 'જોશ' ના એક ગીત માટે ફિલ્મના કેમેરામેન અને અન્ય સભ્યો ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું શૂટિંગ કરવા આવ્યા હતા. આ આગામી હિન્દી ફિલ્મમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર અભિષેક બારડ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ