પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) શારદીય નવરાત્રીમાં આવતી આસો સુદ આઠમ, એટલે દુર્ગાષ્ટમી પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. આ પાવન દિવસે ભક્તોએ જગતજનની મૈયાની આરાધના કરી હતી. પાટણ શહેરના વિવિધ મંદિર સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો, હોમ-હવન અને યજ્ઞની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના ઐતિહાસિક નગરદેવી કાલિકા માતાના મંદિર ખાતે પણ દુર્ગાષ્ટમીની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી. અહીં કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી સહિત અન્ય દેવીદેવતાઓને ફૂલો અને વસ્ત્રાલંકારથી શોભિત કરવામાં આવ્યા હતા. લક્ષ્મી હવનમાં દર્શકભાઈ ત્રિવેદી અને તેમનો પરિવાર યજમાન પદે બિરાજમાન થયા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરી હતી.આ ઉપરાંત, હિંગળાચાચર યુવક મંડળ દ્વારા હિંગળાચાચર ચોકમાં પરંપરાગત નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી સમાજના પાંચ કુટુંબોએ બાધા-માનતા ગરબાનું આયોજન કર્યું હતું. અહીં પણ પરંપરાગત રીતે હવન યોજાયો હતો, જેમાં યજમાનોએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યજ્ઞમાં આહુતિ આપી અને શ્રદ્ધાળુઓએ હવન દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ