મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના સહકારી ક્ષેત્રે આજે એક અનોખું મહાઅભિયાન હાથ ધર્યું છે. જિલ્લામાં આવેલી વિવિધ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, સભાસદો તથા કાર્યકર્તાઓએ મળીને પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો તથા દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા અને ગામડાઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા લોકકલ્યાણકારી પગલાં બદલ આભાર માનવામાં આવ્યો.
આ અભિયાન અંતર્ગત હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખાઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રીની સહકારી ચળવળ પ્રત્યેની દૃષ્ટિ અને ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓની પ્રશંસા કરવામાં આવી છે. સભાસદોએ જણાવ્યું કે સહકારી સંસ્થાઓ દ્વારા ગામડાના સામાન્ય ખેડૂતને આર્થિક સશક્તિકરણ મળ્યું છે. દૂધ ઉત્પાદન, કૃષિ અને નાના ઉદ્યોગોને મજબૂત આધાર મળતા ગ્રામ્ય સમાજ સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યો છે.
મહેસાણા જિલ્લા સહકારી ક્ષેત્રે આ અભિયાનને “આભાર અભિયાન” તરીકે નામ આપ્યું છે. આ અભિયાન દ્વારા પ્રધાનમંત્રીસુધી ખેડૂતોના હૃદયની લાગણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સહકારના આ સશક્ત અવાજને એકતાથી વ્યક્ત કરવું એજ આ મહાઅભિયાનનું મુખ્ય લક્ષ્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR