સુરત , 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના અડાજણ-પાલ ગામ ગૌરવ પથ રોડ વિસ્તારમાં આવેલા મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં આજે બપોરે અચાનક આગની ઘટના બની હતી. શોરૂમમાં સર્વિસ માટે પાર્ક કરાયેલી નવી થાર કારમાં આગ લાગી હતી. પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ત્યાં હાજર સ્ટાફ અને ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને ઝડપભેર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને શોરૂમના અન્ય વાહનો તથા વર્કશોપના ભાગોને બચાવવામાં સફળતા મળી હતી. જોકે, આગમાં એક થાર કાર સંપૂર્ણ રીતે બળી ખાક થઈ ગઈ હતી. હાલમાં આગના કારણ અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે