મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વિજાપુર તાલુકાના લાડોલ ગામે આવેલી શિવમ્ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મોટા પાયે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કંપનીના મેજર શેરહોલ્ડર અને ડિરેક્ટર ડો. ભરત પટેલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર ઈસમોએ મળીને કંપનીમાંથી આશરે રૂ. 1,54,87,980/- ની ઉચાપત કરી છે.
માહિતી મુજબ, આરોપીઓએ ખોટી એન્ટ્રીઓ, કાગળો અને અન્ય દસ્તાવેજી હેરાફેરી કરીને કંપનીના ખાતાઓમાં ગડબડી સર્જી હતી. જેના પરિણામે કંપનીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ડિરેક્ટરે આ મામલે ગંભીર ચિંતાનો ઈજહાર કરતાં કહ્યું કે કંપનીના વિશ્વાસ સાથે દગો કરાયો છે અને નાણાંકીય ગડબડીને કારણે કંપનીના કારોબારમાં મોટો ખાડો ઊભો થયો છે.
પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતના ગુનામાં કેસ નોંધ્યો છે. હાલ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક સ્તરે આ બનાવે ચકચાર મચાવી છે અને ઉદ્યોગજગતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR