સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરત અને અમદાવાદમાં ચાલી રહેલી ભવ્ય ‘સુવર્ણ નવરાત્રી’ના આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે મોટાપાયે દરોડા પાડ્યા છે. ખાસ કરીને ગરબાના પાસ અને ટિકિટોના બેફામ વેચાણને લઈને વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે ગરબા આયોજન ક્ષેત્રે ભારે હડકંપ મચ્યો છે.
માહિતી મુજબ, 10થી વધુ અધિકારીઓની સંયુક્ત ટીમે આ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુખ્યત્વે એવા આયોજનો પર થઈ જ્યાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી, ઉમેશ બારોટ અને પૂર્વા મંત્રી જેવા લોકપ્રિય કલાકારોના ગરબા યોજાયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ,સુરતમાં ઉમેશ બારોટના ‘સુવર્ણ નવરાત્રી’ અને આદિત્ય ગઢવીના ‘રંગ મોરલો’અમદાવાદમાં જીગરદાન ગઢવીના ‘સ્વર્ણિમ નગરી ગરબા’ અને પૂર્વા મંત્રીના ‘સુવર્ણ નવરાત્રી’માં તપાસ હાથ ધરવામાં આવી છે.
GST વિભાગના અધિકારીઓએ પાસ-ટિકિટ વેચાણ અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ, આ મોટા આયોજકો દ્વારા મળતી આવક પર પૂરતો ટેક્સ ન ભરવામાં આવ્યો હોવાની શંકા છે.
નવરાત્રિના ગરબા આયોજનોમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે, ખાસ કરીને સીઝન પાસ અને એન્ટ્રી પાસના વેચાણથી થતી આવક સીધી GSTના દાયરામાં આવે છે. આ કારણે વિભાગે પગલા લીધા છે.
આ દરોડાની અસર રૂપે અન્ય નાના-મોટા ગરબા આયોજકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્પષ્ટ સંકેત છે કે તહેવારો દરમિયાન થતા મોટા આર્થિક વ્યવહારો પર સરકારની ચાંપતી નજર રહેશે. તપાસ પૂર્ણ થયા બાદ મોટી ટેક્સ ચોરી બહાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે