- ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશરથી રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ
અમદાવાદ,30 સપ્ટેમ્બર (હિ.સ.) આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. જામનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદમાં પણ વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, કોમર્સ છ રસ્તા વગેરે વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે LCS-3 લગાવવામાં આવ્યું છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અત્યારે 2025ની ચોમાસાની સિઝનનો વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. 2 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. અનેક જગ્યાએ બેથી પાંચ ઈંચ તો કોઈ જગ્યાએ પાંચ ઈંચથી પણ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બંગાળની ખાડીનું સાઇક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું, એ સાઇક્લોનિક સર્ક્યુલેશન 24 સપ્ટેમ્બરે મહારાષ્ટ પર આવીને મજબૂત બનીને લોપ્રેશર બન્યું હતું, જે વધુ સ્ટ્રોંગ થઇ ડિપ્રેશન બની છે. આ સિસ્ટમ હજુ પણ મજબૂત બની શકે છે, જેના કારણે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ