મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગર તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સોમવારે વિસનગર શહેર ખાતે યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી વિકાસ રાતડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂત પ્રતિનિધિઓ અને સંઘના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીમાં મહેન્દ્ર ચૌધરી બીજી ટર્મ માટે બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સંઘના સભ્યોમાં આ નિર્ણયને લઈ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મહેન્દ્ર ચૌધરીએ ખેડૂતોના હિતમાં સંઘને મજબૂત બનાવવા, વધુ સુવિધાઓ ઉભી કરવા અને ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે સતત પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઉપપ્રમુખ પદે પણ સહમતિથી ઉમેદવારની પસંદગી થવાને કારણે ચૂંટણી વિના જ કાર્યકારિણાની રચના પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે સંઘના પૂર્વ કાર્યકર્તાઓએ નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
આ રીતે વિસનગર તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં સહકારની ભાવના સાથે નવી કાર્યકારિણીની રચના થવા પામી છે, જે ખેડૂતોના હિતમાં સક્રિય કામગીરી કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR