સણિયાનાં તળાવમાં સંખ્યાબંધ માછલીઓનાં મોતને પગલે રોષ
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) શહેરનાં છેવાડે આવેલ સણીયા ગામમાં આવેલ તળાવમાં સંખ્યાબંધ માછલીઓનાં મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકો દ્વારા આસપાસનાં વિસ્તારમાં બિલાડીનાં ટોપની જેમ ફાટી નીકળેલાં ઔદ્યોગિક એકમોનાં દૂષિત પાણી અને
સંખ્યાબંધ માછલીઓનાં મોત


સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) શહેરનાં છેવાડે આવેલ સણીયા ગામમાં આવેલ તળાવમાં સંખ્યાબંધ માછલીઓનાં મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકો દ્વારા આસપાસનાં વિસ્તારમાં બિલાડીનાં ટોપની જેમ ફાટી નીકળેલાં ઔદ્યોગિક એકમોનાં દૂષિત પાણી અને ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને કારણે માછલીઓનાં મોત નિપજ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા મહાનગર પાલિકાનાં ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ઔદ્યોગિક એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ વરાછા ઝોન અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલનાં તબક્કે જીપીસીબીને જાણ કરવાની સાથે - સાથે ઝોનની ટીમ દ્વારા પાણીનાં સેમ્પલ એકત્રિત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત મહાનગર પાલિકાનાં હદ વિસ્તારમાં આવતાં સણિયા ગામમાં તળાવમાં આજે સવારે સંખ્યાબંધ માછલીઓનાં મોતની ઘટના નોંધાવા પામી છે. એક પછી એક માછલીઓનાં મોતને પગલે લોકોમાં પણ ભયની લાગણી પ્રસરી જવા પામી છે. તળાવની પાસે પસાર થતાં કેનાલમાં ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતાં આ પ્રકારની ઘટના સર્જાવા પામી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો. સ્થાનિકોનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સણિયા અને આસપાસનાં વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ અંગે વહીવટી તંત્ર સમક્ષ લેખિત - મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જો કે, આજે તળાવમાં સંખ્યાબંધ માછલીઓનાં મોતને પગલે વધુ એક વખત લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સણિયા તળાવની આસપાસ ઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી અને કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ તળાવમાં ગામનાં બાળકો નહાવા માટે જતાં હોય તેઓને પણ ચામડીનાં રોગ થવાની શક્યતાઓ રહેલી છે. આ સ્થિતિમાં ગ્રામજનોએ ત્વરિત આસપાસ આવેલ ઔદ્યોગિક એકમો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા અંગે વહીવટી તંત્ર સમક્ષ વધુ એક વખત ફરિયાદ કરી છે. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તળાવમાંથી મૃત માછલીઓ કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય વરાછા ઝોનનાં અધિકારીઓની પણ ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં અધિકારીઓને ઘટના અંગે જાણ કરવાની સાથે - સાથે તળાવનાં પાણીનાં સેમ્પલ લઈને રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande