પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિના પવિત્ર પર્વ પર પોરબંદર શહેરમાં આયોજિત ગરબા મહોત્સવોમાં “ઓપરેશન સિંદૂર”ના કેસરિયા તાલે હજારો ખેલૈયાઓ દેશભક્તિના ભાવ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય સેનાના શૌર્ય, શહીદોના બલિદાન અને દેશપ્રેમનું ગૌરવ એકસાથે ઉજાગર થયું હતું.
દેશની સરહદોની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા શહીદ જવાનોને ખેલૈયાઓએ હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરંપરાગત ગરબાની ધૂન સાથે દેશપ્રેમની ભાવનાને જોડતા આ ગરબા મહોત્સવમાં સાંસ્કૃતિક પરંપરા, દેશભક્તિ અને સામૂહિક એકતાનું અદ્ભુત સંયોજન જોવા મળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ કરાયેલા દ્રઢ સંકલ્પના પરિણામે થયેલ ન્યાયના પ્રતિક રૂપે “ઓપરેશન સિંદૂર”ને સમર્પિત આ ગરબા આયોજન પોરબંદરનાં ઇતિહાસમાં દેશપ્રેમને નવી ઊર્જા પૂરી પાડનાર એક અવિસ્મરણીય ક્ષણ બની રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya