મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આગામી 9-10 ઑક્ટોબર 2025 દરમિયાન યોજાનાર પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) માટે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ તૈયારીને વેગ આપવામાં આવ્યો છે. “લોકલથી ગ્લોબલ” મંચ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે આ કોન્ફરન્સનું આયોજન થવાનું છે, જેમાં ગુજરાતના સ્થાનિક ઉત્પાદનો, કૃષિ આધારિત ઉદ્યોગો, હસ્તકલા, સ્ટાર્ટઅપ્સ તેમજ MSME ક્ષેત્રને વૈશ્વિક બજારમાં પહોંચાડવા ખાસ પ્રયત્નો હાથ ધરાશે.
આ સંદર્ભે મહેસાણા ખાતે સંબંધિત તમામ જિલ્લા અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ તથા આયોજક સમિતિ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આયોજનને સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી હતી અને વિવિધ વિભાગોને તેમની જવાબદારીઓ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને કૃષિ-પ્રોસેસિંગ, ડેરી, ટેક્સટાઇલ, હેન્ડીક્રાફ્ટ, નવીન સ્ટાર્ટઅપ્સ અને ટકાઉ વિકાસ ક્ષેત્રોને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે.
VGRC 2025 દ્વારા ઉત્તર ગુજરાતના ઉદ્યોગો અને ખેડૂતોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રોકાણકારો સાથે જોડાવાનો અવસર મળશે. પરંપરાગત “મહેસાણા ડેરી”, “પાટણની પટોળ”, “સાબરકાંઠાની હેન્ડીક્રાફ્ટ”, તેમજ “બનાસકાંઠાનું દૂધ ઉત્પાદન” જેવા ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવાની યોજના પણ ચર્ચાઈ.
કોન્ફરન્સ દરમિયાન પ્રદર્શની, B2B મીટિંગ્સ, ઉદ્યોગ-કિસાન સંવાદ, તથા સ્ટાર્ટઅપ ઈનોવેશન સત્રોનું આયોજન થશે. મહેસાણાને એક ઉદ્યોગપ્રેમી જિલ્લો તરીકે પ્રસ્તુત કરવા રાજ્ય સરકાર તમામ વિભાગો સાથે સંકલન કરી રહી છે.
આ પૂર્વ તૈયારીઓથી મહેસાણા જિલ્લામાં માત્ર સ્થાનિક અર્થતંત્રને જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતને રોકાણ, રોજગારી અને વિકાસના નવા અવસર મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR