મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) આજે મહેસાણા ડેરીના આદરણીય સ્થાપક સ્વર્ગસ્થ માનસિંહ પી. પટેલજીની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં હૃદય ગર્વથી ભરાઈ જાય છે. તેમણે ખેડૂત, ગાય-ભેંસ પાલક તથા ગ્રામ્ય સમાજના ઉન્નતિ માટે અનન્ય કાર્ય કર્યું હતું. મહેસાણા જિલ્લામાં દુધ ઉત્પાદનને સંગઠિત કરી સહકારી ચળવળ દ્વારા નાના ખેડૂતોને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના પાયાના કાર્યમાં તેમનો ફાળો ક્યારેય ભૂલાઈ શકે તેમ નથી.
માનસિંહભાઈએ સહકારની શક્તિમાં વિશ્વાસ રાખીને મહેસાણા ડેરીની સ્થાપના કરી, જેના કારણે હજારો પરિવારોને રોજગારી મળી અને ખેડૂતોએ પોતાના પરિશ્રમનો યોગ્ય ભાવ મેળવ્યો. તેમણે માત્ર એક સંસ્થા ઊભી કરી નહિ, પરંતુ “ખેડૂત સમૃદ્ધ તો ગ્રામ્ય ભારત સમૃદ્ધ” એવો સૂત્ર જીવંત કર્યો. તેમની દૃષ્ટિ, શ્રમપ્રેમ અને સેવા ભાવના આજે પણ ડેરી ઉદ્યોગમાં માર્ગદર્શક બની રહી છે.
આજે મહેસાણા ડેરી માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારત માટે પ્રગતિનું પ્રતિક બની છે. તેનું શ્રેય નિઃસંદેહ તેમના દૂરંદેશી વિચારો અને અવિરત પ્રયાસોને જાય છે. તેમની પુણ્યતિથિએ આપણે સૌએ તેમના આદર્શોનું સ્મરણ કરી, સહકાર ચળવળને વધુ મજબૂત બનાવવા સંકલ્પ લેવો એ જ સચી શ્રદ્ધાંજલિ ગણાય
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR