પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી ડિનલ વિઠાણી હાર્દિકભાઈએ તાજેતરમાં મલેશિયામાં યોજાયેલા અંડર-16 બાસ્કેટબોલ એશિયા કપમાં ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે ફાઇનલમાં ઈરાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યું હતું. ડિનલ હાલ ડી.એલ.એસ.એસ. (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, પાટણ) માં ધોરણ 11માં અભ્યાસ કરે છે. અગાઉ તેણે પાંચ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.
આંદોલનસભ્ય સફળતા બદલ ડિનલનું શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પાટણ જૈન મંડળ અને પાટણ જિલ્લા રમતગમત વિભાગ દ્વારા બગવાડા દરવાજાથી શાળા સુધી “ગૌરવ યાત્રા” યોજાઈ હતી, જેમાં નગરજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. ત્યારબાદ શાળામાં આયોજિત સન્માન સમારોહમાં ધારાસભ્ય ડૉ. કે.સી. પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડિનલને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
શાળાના વડા ડૉ. બી.આર. દેસાઈએ ડી.એલ.એસ.એસ.ના કોચ નિલય ચૌહાણ અને સમગ્ર રમતગમત સંકુલને શુભેચ્છા પાઠવી હતી અને ડિનલને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મોટી સફળતાઓ મળે તેવી શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમના કન્વીનર શ્રી પી.ડી. ઝાલા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ડિનલને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ