- ગુજરાત વિધાનસભામાં પસાર નવા શ્રમ કાયદાના વિરોધમાં મજૂર સંઘો એકજૂથ
અમદાવાદ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન પસાર થયેલા નવા શ્રમિક કાયદા સામે ભારતીય મઝદૂર સંઘ સહિતના મજૂર સંગઠનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, આ મજૂર સંગઠનોએ આગામી 10 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટ પર વિશાળ સંમેલન યોજવાનું નક્કી કર્યું છે અને સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમેલાંમાં
એક લાખથી વધુ શ્રમિકો એકઠા થવાનો અંદાજ છે.
રાજ્ય સરકારે તાજેતરમાં શ્રમિકોના કામના કલાકોમાં વધારો કરવા અને મહિલા શ્રમિકોને રાત્રિ શિફ્ટમાં ફેક્ટરીઓમાં બોલાવવાની મંજૂરી આપવાની જોગવાઈ સાથેનો કાયદો અમલમાં મૂક્યો છે. તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન પસાર થયેલા આ કાયદાને લઈને મજૂર સંગઠનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ભારતીય મઝદૂર સંઘએ આ નિર્ણયને લાખો શ્રમિકોના હિત વિરુદ્ધ ગણાવીને સરકાર સામે સીધી ટક્કર લેવાનો ચીમકીભર્યો સંકેત આપ્યો છે.
આ મુદ્દે સરકારને કરાયેલી રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કે સુધારો ન થવાને કારણે મજૂર સંઘોએ હવે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.
સંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આવનારા 10 ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એક લાખથી વધુ શ્રમિકોનું વિશાળ સંમેલન યોજાશે. આ સંમેલનમાં વિવિધ ઉદ્યોગો અને ફેક્ટરીઓમાં કાર્યરત શ્રમિકો મોટી સંખ્યામાં જોડાશે. આ સમયે સરકારના નવા કાયદા વિરુદ્ધ ઠરાવો પસાર કરી આગળના પગલાંની જાહેરાત પણ થવાની શક્યતા છે.
મજૂર સંઘોના આગેવાનોનું કહેવું છે કે, સરકારે આ મહત્વપૂર્ણ કાયદા પહેલા કોઈપણ પ્રકારની ચર્ચા કે મંત્રણા વિના સીધી જાહેરાત કરી દીધી છે. શ્રમિકોની જીવનશૈલી, આરોગ્ય અને સામાજિક જીવન પર સીધી અસર થતી એવી જોગવાઈઓ લાદવામાં આવી છે. મજૂર સંઘના પ્રવક્તા રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ ખાસ જણાવ્યું કે, “સરકાર સાથે બેઠક કરી અમારા વાંધા રજૂ કર્યા હતા, પરંતુ હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. હવે આ મુદ્દે મૌન નથી ધારણ કરી શકાતું.”
નોંધનીય છે કે, નવા કાયદાની મુખ્ય જોગવાઈઓમાં દિનદહાડે કામના કલાકો 8થી વધારીને 12 સુધી લઈ જવાની, તેમજ મહિલા શ્રમિકોને પણ રાત્રિ શિફ્ટમાં કામે બોલાવવાની વાત સામેલ છે. સંઘોના મતે આ જોગવાઈઓ ફેક્ટરી કાયદાનું ઉલ્લંઘન છે અને શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય તથા પારિવારિક જીવનને ખતરામાં મૂકે છે. ઉપરાંત મહિલા શ્રમિકો માટે રાત્રિ શિફ્ટ ફરજિયાત કરવાથી સલામતી સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે. જ્યારે રાજ્ય સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી ઉદ્યોગોમાં વૈશ્વિક સ્પર્ધા સામે ટકી રહેવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવી આવશ્યક છે, અને તે માટે નવા કાયદા અનિવાર્ય છે. પરંતુ મજૂર સંગઠનો આ દલીલને એકતરફી ગણાવી રહ્યા છે.
હવે આગામી દિવસોમાં શ્રમિક સંગઠનો દ્વારા યોજાનારા આંદોલન અને સંમેલનને કારણે શ્રમ કાયદાના મુદ્દે રાજ્ય સરકાર પર દબાણ વધવાની શક્યતા છે. શ્રમિકોના જીવનને સીધી અસર કરતી આ જોગવાઈઓ અંગે સરકાર કોઈ સમાધાનકારી નિર્ણય લે છે કે નહીં, તે હવે આગામી અઠવાડિયે સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ