ગીર સોમનાથ, 6 સપ્ટેમ્બર (હિ.સ.) શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં પ્રકાશકિરણ સમાન છે. જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આવા કર્તવ્યરત શિક્ષકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શિક્ષક દિવસના અવસરે શ્રેષ્ઠ શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.પી.બોરીચાની ઉપસ્થિતિમાં સોમનાથના યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો
જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછારે વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરતા શિક્ષકોની સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર એક વ્યવસાયી તરીકે કામ ન કરી શકે. શિક્ષણ આપવું એ એક પવિત્ર સેવા છે. પુસ્તકના જ્ઞાનની સાથે શિક્ષકો વિદ્યાર્થીઓને જીવન જીવવાની સાચી રીત શીખવી અને સંસ્કાર, મૂલ્યો અને કેળવણીનું ઘડતર કરે છે.
શિક્ષકોનો વિશ્વાસ જીવનભર વિદ્યાર્થીઓ માટે પ્રેરકબળ પૂરું પાડે છે. આમ જણાવી તેમણે વિદ્યાર્થીઓના જીવનમાં માર્ગદર્શક મશાલ બનવા માટે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.
'શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ'માં તાલુકાકક્ષાએ તાલાલાના બે, કોડીનારના બે, વેરાવળના એક અને ઉના તાલુકાના બે એમ કુલ સાત શિક્ષકોનું અને જિલ્લા કક્ષાએ પાલડી પ્રાથમિક શાળાના વાજા મોહનભાઈનું પ્રશસ્તિપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકો સહિત જ્ઞાન સાધના-જ્ઞાન સેતુમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન થાય એ માટે તેમનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું ઉર્જાભર્યુ સંચાલન શિક્ષક દિપકભાઈ નિમાવતે કર્યું હતું અને આભારવિધિ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય રાજેશ ડોડિયાએ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એન.ડી.અપારનાથી, સરકારી બોય્ઝ સ્કૂલના આચાર્ય વી.બી.ખાંભલા, વેરાવળ-તાલાલા, ઉના-કોડીનાર સહિતના તાલુકાના શિક્ષકો-આચાર્ઓ, જિલ્લા શિક્ષણસંઘના પદાધિકારીઓ, અગ્રણી પ્રકાશભાઈ ટાંક સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ