અમરેલી, 6 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલું લુણકી ગામ વસ્તીદીઠ નાનું હોવા છતાં આધુનિક સુવિધાઓ અને પરંપરાગત મૂલ્યોના સંગમ માટે ઓળખાય છે. લગભગ 2000ની વસ્તી ધરાવતા આ ગામમાં 1100 પુરુષો અને 900 મહિલાઓ વસે છે. ગામની સાક્ષરતા દર 90 ટકા છે, જે ગામની શૈક્ષણિક જાગૃતિ અને પ્રગતિશીલતા દર્શાવે છે.
મુખ્ય વ્યવસાય અને રોજગાર
લુણકી ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામના ખેડૂતો તલ, જુવાર, કપાસ જેવા પરંપરાગત પાક સાથે સાથે હવે આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. સિંચાઈ માટે પૂરતા પાણીના સ્રોત ઉપલબ્ધ હોવાથી કૃષિ ઉત્પાદન સારા સ્તરે રહે છે.
પરિવહન અને માર્ગ વ્યવસ્થા
ગામનો પરિવહન વ્યવસ્થા દૃઢ છે. અહીંથી બાબરા તેમજ અન્ય વિસ્તારો સુધી એસ.ટી. બસો તથા ખાનગી વાહનો સરળતાથી ઉપલબ્ધ છે. હથિગઢ–લુણકી માર્ગ, વાંડણીયા–લુણકી માર્ગ તથા બાબરા–અમરેલી હાઈવે સાથે ગામનો સારો કનેક્શન છે. ગામના બસ સ્ટેન્ડ આસપાસ પણ સુવિધાજનક વ્યવસ્થા છે.
ગ્રામ પંચાયત અને સુવિધાઓ
લુણકી ગામની ગ્રામ પંચાયત પ્રગતિશીલ છે. ગામમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર અને કચરો એકત્ર કરવા માટેની ગાડી ઉપલબ્ધ છે. પીવાના પાણી માટે પાંચ હજાર લીટરની ક્ષમતા ધરાવતી ત્રણ મોટી ટાંકી તથા દરોજ પાણી વિતરણની સુવિધા ઉપલબ્ધ છે. દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચે છે, જેથી પાણીની સમસ્યા ગામમાં નથી.
પર્યાવરણલક્ષી કામગીરી
ગામમાં પર્યાવરણ જાળવવા વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતની સંયુક્ત મહેનતથી અત્યાર સુધી 3500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સ્મશાન, શાળાઓ, મંદિરો, બસ સ્ટેન્ડ તથા મુખ્ય માર્ગો પર વૃક્ષો રોપી તેનું સંવર્ધન કરવામાં આવે છે. આ અભિયાનથી ગામનું વાતાવરણ હરિયાળું અને સ્વચ્છ રહ્યું છે.
શિક્ષણ અને સંસ્કૃતિ
લુણકી ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં બાળકોને મૂળભૂત શિક્ષણ આપવામાં આવે છે. સાક્ષરતા દર ઊંચો હોવાને કારણે ગામના લોકો બાળકોના શિક્ષણ પ્રત્યે ખૂબ જાગૃત છે.
ગામમાં જન્માષ્ટમી, રામનવમી, દિવાળી, હોળી જેવા તહેવારો મોટા ઉમંગ સાથે ઉજવાય છે. સમગ્ર ગામ એકતા અને ભાઈચારા સાથે સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખે છે.
લુણકી ગામમાં ચાર મુખ્ય મંદિરો આવેલાં છે – શિવ મંદિર, હનુમાન મંદિર, રામજી મંદિર અને રામપીરનું મંદિર. પરંતુ ગામની ઓળખનું મુખ્ય કેન્દ્ર છે શ્રી ગરૂડેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર અતિ પૌરાણિક માનવામાં આવે છે. અહીં માન્યતા છે કે જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ગુમડા (સોજો) રહેતો હોય, તો મહાદેવને ગોળ અર્પણ કરતા ગુમડા દૂર થઈ જાય છે. અનેક લોકોના અનુભવો આ માન્યતાને વધુ મજબૂત બનાવે છે.
શ્રાવણ માસમાં દરરોજ ગામમાં પ્રભાતફેરી નીકળે છે. ખાસ કરીને ગુરુપૂનમના દિવસે આખું ગામ ગરૂડેશ્વર મહાદેવ મંદિરે ભેગું થાય છે. પ્રસાદ, ધૂવાડા બંધ તથા રાત્રે ભજન-કીર્તન દ્વારા ઉજવણી થાય છે. આ પ્રસંગ ગામની એકતાનો અનોખો પરિચય આપે છે.
લુણકી ગામ આજના સમયમાં આધુનિક સુવિધાઓ સાથે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખી રહ્યું છે. શિક્ષણ, પર્યાવરણ, ખેતી અને સંસ્કૃતિના ક્ષેત્રે ગામ સતત આગળ વધી રહ્યું છે. ગરૂડેશ્વર મહાદેવ મંદિર જેવી ધાર્મિક ઓળખ ગામને વિશેષ પવિત્રતા આપે છે. એકતા, શ્રદ્ધા અને પ્રગતિશીલ વિચારધારાથી લુણકી ગામ ભવિષ્યમાં પણ પ્રગતિના નવા પંથે આગળ વધશે એમાં શંકા નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai