પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાએ જિલ્લા ખનિજ ફાઉન્ડેશન (DMF) હેઠળ રૂ. 77 લાખની ગ્રાન્ટ માટે રજૂઆત કરી છે. આ રકમ સેનેટરી પેડ અને ડાયપરના નિકાલ માટે ઇન્સિનરેટર, કલેક્શન વાન, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટ વિસ્તારમાં સ્મોલ યુનિટ ટોઇલેટ તેમજ ટ્રાફિક સિગ્નલ જેવી સુવિધાઓ માટે માગવામાં આવી છે.
નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસરે સેનિટેશન અને રોડ સેફટીના અભાવે ગ્રાન્ટ lની આવશ્યકતા બાબતે વિગતવાર રજૂઆત કરી હતી. જેમાં સેનેટરી પેડ ઇન્સિનરેટર અને કલેક્શન વાન માટે રૂ. 35 લાખ, કપડાની થેલી વેન્ડિંગ મશીન માટે રૂ. 2 લાખ, ટોઇલેટ માટે રૂ. 30 લાખ અને ટ્રાફિક સિગ્નલ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ DMF મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વે મંજૂર થયેલા કામોની સમીક્ષા સાથે નવા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત ડાયરેક્ટ અફેક્ટેડ એરિયાના 462 ગામો અને ઇનડાયરેક્ટ અફેક્ટેડ એરિયાના 62 ગામોની નવી યાદી પણ રજૂ કરાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ