ગાંધીનગર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત સર્વનેતૃત્વ ૧૦૬મી શિબિરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃકતા તજજ્ઞ તરીકે કાર્યરત અમિતભાઈ ખત્રીએ યુવાનોને સંબોધિત કરતાં જણાવ્યું કે વધતા જતા ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાનો ઉકેલ માત્ર કડક નિયમોમાં નથી પરંતુ દરેક નાગરિકની જાગૃતિમાં છે. રમૂજી અંદાજમાં સંદેશ આપતા તેમણે સમજાવ્યું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી માત્ર દંડથી બચી શકાય એવું નથી, પરંતુ આપણા તથા અન્ય લોકોના જીવનું રક્ષણ પણ શક્ય બને છે.યુવાનો કેવી રીતે માર્ગ સલામતીમાં સહભાગી બની શકે તેની સરળ સમજણ આપતા તેમણે જણાવ્યું કે વાહન ચલાવતી વેળા સતર્કતા, સાવચેતી અને નિયમોનું પાલન જ અકસ્માત અટકાવવાનો સાચો માર્ગ છે.
માર્ગ સલામતી માટે હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવા, વધુ ગતિ અને રોંગ સાઈડમાં વાહન ન હંકારવા, ગાડી ચલાવતા મોબાઇલનો ઉપયોગ ન કરવા જેવી બાબતો વિશે સમજણ આપી, યુવાનોને પોતાના જીવનમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને તેમના મિત્રો, સગા સંબંધી સૌને જીવનમાં અમલમાં મૂકવા પ્રેરણા આપવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત કરી, જવાબદાર નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવવાની પ્રેરણા આપવા યોજાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ