સ્વચ્છાગ્રહી ભારત સંકલ્પ સાથે કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના ૭૫ વિદ્યાર્થીઓએ પર્યાવરણ સ્વચ્છતા સંસ્થાની મુલાકાત કરી
ગાંધીનગર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ૧૦૬મી શિબિરના છેલ્લા દિવસે ૧૭ કોલેજના ૭૫ યુવાનોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા અને સ્વચ્છ, સુંદર અને પ્રગતિશીલ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ કરવા હેતુથી સુઘડ સ્થિત પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાની મુલાકાત કરાવાઈ હતી.
મુલાકાત દરમિયાન પર્યાવરણીય સંસ્થાના સંચાલક જયેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પર્યાવરણલક્ષી જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી હતી. તેમણે યુવાનોને સમજાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કરવું માત્ર ફરજ નથી પરંતુ ભવિષ્ય માટેની સૌથી મોટી જવાબદારી છે. એકબીજા પ્રત્યે આદર અને પ્રેમભાવ રાખવો, જીવનમાં જો ક્યારેક ભૂલ થઈ હોય તો ક્ષમા માગી આગળ વધવું અને સમાજમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં યોગદાન આપવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સંસ્થાની મુલાકાત દરમિયાન દેવેન્દ્રભાઈ પારેખે પર્યાવરણ અંગેનું માર્ગદર્શન પૂરું પાડતાં જણાવ્યું કે — સ્વચ્છતા માત્ર બહારની નહીં પરંતુ મન, વિચાર અને વ્યવહારમાં પણ હોવી આવશ્યક છે. યુવાનોને શૌચાલય નિર્માણ અને તેનો યોગ્ય ઉપયોગ, પાણીનો સંચય, અન્નનો બગાડ ન કરવો તથા વૃક્ષારોપણ જેવા મૂલ્યો જીવનમાં અપનાવી હાજર તમામ યુવાનોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. મુલાકાતનું આયોજન સર્વનેતૃત્વના મુખ્ય કોઓર્ડીનેટર ડો. ધર્મેન્દ્ર પટેલ, સુરજ મૂંઝાની અને રાહુલ સુખડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ