પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે શ્રી વિવેકાનંદ વિનય મંદિર માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળા, રાતિયા ખાતે A/06 બટાલિયન એન.ડી.આર.એફ. ની ટીમ 6C દ્વારા કમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ (CAP) યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફને આપત્તિ સમયે જરૂરી પ્રાથમિક સારવાર અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કાર્યક્રમમાં એન.ડી.આર.એફ. નો પરિચય, આપત્તિના પ્રકારો, ભૂકંપ સમયે સલામતી, CPR તથા FBAO, રક્તસ્ત્રાવ નિયંત્રણ, સોફ્ટ ટિશ્યુ ઈન્જરી, ફ્રેક્ચર સમયે સ્પ્લિન્ટનો ઉપયોગ, ઈમ્પ્રોવાઈઝ સ્ટ્રેચર, દર્દીને સુરક્ષિત રીતે લિફ્ટ અને સ્થળાંતરિત કરવાની પદ્ધતિ, પૂર સમયે ઈમ્પ્રોવાઈઝ ફ્લોટિંગ ડિવાઈસ, આગ લાગ્યે અગ્નિશામકનો ઉપયોગ, સર્પદંશની પ્રાથમિક સારવાર તથા આપત્તિ સંબંધિત એપ્લિકેશન્સ જેવા વિષયો કવર કરવામાં આવ્યા હતા.
આ અવસર પર આચાર્ય કે. ડી. વદર, તથા ડિપીઓ ગૌતમ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ સહિત કુલ 244 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને આપત્તિ સમયે સ્વસહાય અને પરસ્પર સહાય દ્વારા જીવન બચાવવાના કૌશલ્ય વિશે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya