સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી કિશોરી તેની બહેનપણીઓ સાથે ગોડાદરા વિસ્તારમાં આવેલ એસએમસીના ગાર્ડનમાં રમવા માટે ગઈ હતી. આ સમયે 55 થી 60 વર્ષના એક આધેડ પુરુષે કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે આધેડે કિશોરીનો હાથ પકડી લઈ શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. જેથી આખરે કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવી હતી. માતાએ દીકરીની હકીકત સાંભળી ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ગોડાદરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરી ગતરોજ તેને બહેનપણીઓ સાથે ગોડાદરા વિસ્તારમાં રાજ આઇકોન પાસે આવેલ એસએમસીના ગાર્ડનમાં રમવા માટે ગઈ હતી. આ સમયે રમતા રમતા કિશોરીઓને ભૂખ લાગતા તે નાસ્તો લેવા માટે ગઈ હતી. આ સમયે 55 થી 60 વર્ષના ચશ્મા પહેરેલા એક અજાણ્યા આધેડ વ્યક્તિએ કિશોરી તરફ આવી તેના પર દાનત બગાડી હતી અને કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે અચાનક પાછળથી તેની બાજુમાં આવી તેનો હાથ પકડી દીધો હતો અને પોતાના બીજા હાથથી 13 વર્ષની કિશોરીના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલાં કર્યા હતા. જેથી કિશોરી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી નીકળીને ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ કિશોરીએ સઘળી હકીકત તેની માતાને જણાવતા તેઓએ આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 55 થી 60 વર્ષના આધેડ સામે છેડતી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે