સુરત , 10 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી વૃદ્ધા કામ અર્થે લસકાણા ખાતે ગઈ હતી. આ સમયે ઓટો રીક્ષામાં જતી હતી. ત્યારે ઓટોરિક્ષામાં સવાર બે અજાણ્યા ઈસમો અને બે અજાણી મહિલાઓએ ભેગા મળી તેમની નજર ચૂકવી વૃદ્ધાના ગળામાંથી રૂપિયા 55000 ની સોનાની ચેઈન ખેંચી લઇ રીક્ષામાંથી ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વૃદ્ધાએ આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને અજાણ્યા ઓટો રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ ગામમાં મારુતિ ધામ સોસાયટીમાં રહેતા 69 વર્ષીય વિમળાબેન ચતુરભાઈ ટાંક ગતરોજ કામ અર્થે લસકાણાના વાલક પાટીયા ચાર રસ્તા પાસે આવ્યા હતા. જ્યાંથી તેઓ તારીખ 6/9/2025 ના રોજ બપોરે 12:30 થી 01:00 વાગ્યાન સમયગાળા દરમિયાન એક ઓટો રીક્ષા ભાડે કરી ઘર તરફ આવવા માટે નીકળતા હતા. આ સમયે ઓટોરિક્ષામાં સવાર બે અજાણ્યા પુરુષો અને બે અજાણી મહિલાઓએ તેમની સાથે વાતચીત કરી વાતોમાં ભોળવી વિમળાબેનની નજર ચૂકવી હતી અને તેમના ગળામાં રહેલી રૂપિયા 55,617 ની સોનાની તુલસીની માળા ચોરી કરી લઈ વિમળાબેનને વાલક પાટીયા ચાર રસ્તા જમનાબા ભવનથી ઇડન સર્કલ સુધી જતા રોડ ઉપર વચ્ચે ઉતારી દઈ ઓટો રીક્ષા પુરપાટ ઝડપે હંકારી ફરાર થઈ ગયા હતા. જેથી બાદના વિમળાબેન ને પોતાની સોનાની ચેઈન ચોરી થયાની જાણ થતા તેઓએ તમામને લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે પુરુષો અને બંને મહિલાઓ સહિત કુલ ચાર લોકો સામે સોનાની ચેઈન ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે