જામનગર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાંથી આજે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે. સોસાયટીના એક રહીશે પંચકોશી બી. ડિવિઝન પોલીસને જાણ કરતતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃત શિશુનો કબજો સંભાળ્યો છે, અને બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે, અનેમાતા સોસાયટીમાં લાગેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેની શોધખોળ આરંભી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાં આજે વહેલી સવારે એક નિર્જન સ્થળે નવજાત શિશુ જાહેર રોડ પર ત્યજી દીધેલી અવસ્થામાં પડ્યું હોવાની માહિતી સોસાયટીના એક નાગરિકે પોલીસને આપી હતી. જેથી પોલીસ તંત્રએ ત્યાં દોડી જઇ મૃત ભ્રુણનો કબ્જો મેળવી તેને હોસ્પિટલ ખસેડયું હતું. નવજાત ભ્રુણને ત્યજી દીધાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં દયાવિહીન માતા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. બાળકને ત્યજી દેનાર માતાને શોધવા માટે પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટુકડી કામે લાગી છે, અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt