જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં આવ્યા નવા નીર
જામનગર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર શહેર અને આસપાસના ચેલા, ચંગા, દરેડ સહિતના વિસ્તારમાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને છેલ્લા ચાર પાંચ દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દરેડની કેનાલ મારફતે શહેરની શાન સમા લાખેણા લાખોટા લેકમાં નવા પાણીની આવક થઈ
તળાવ


જામનગર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર શહેર અને આસપાસના ચેલા, ચંગા, દરેડ સહિતના વિસ્તારમાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને છેલ્લા ચાર પાંચ દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દરેડની કેનાલ મારફતે શહેરની શાન સમા લાખેણા લાખોટા લેકમાં નવા પાણીની આવક થઈ છે, અને તળાવના ત્રણેય ભાગમાં નવું પાણી આવી ગયું હોવાથી રણમલ તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને લઈને નગરજનો હરખાયા છે.

જામનગર શહેરની મધ્યમાં અનેક બોર ડંકી વગેરેના તળ સાજા રાખવા માટે ખૂબ જ મહત્વના અને કડીરૂપ ગણાતા લાખેણા લાખોટા તળાવમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત નવા પાણીની આવક થઈ રહી છે, અને સૌ પ્રથમ તળાવ નંબર-1 નો હિસ્સો સંપૂર્ણપણે ભરાઈ ગયા બાદ બીજા નંબરના તળાવના ભાગમાં પણ વિપુલ પ્રમાણમાં જળ રાશિ આવી જવાથી તે પણ સંપૂર્ણપણે ભરાયું છે.

ત્યારબાદ એસ.ટી.ડિવિઝન તરફના તળાવમાં ભાગમાં પણ છેલ્લા ચાર દિવસથી સતત નવા પાણીની આવક થઈ હોવાના કારણે તે ત્રીજો વિભાગ પણ હાલ સંપૂર્ણપણે ભરાયો છે, અને તળાવ છલકાવાની તૈયારીમાં છે. છેલ્લા ચાર પાંચ દિવસમાં જ લાખોટા તળાવ કે જે ચાલુ ચોમાસાની સિઝનમાં અડધું ખાલી રહ્યું હતું, પરંતુ નવા પાણીની આવક થતાં સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી નગર જનો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે. ગઈકાલે રવિવારની રજા હોવાથી અને બપોર બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હોવાથી અનેક નગરજનો તળાવના પાણીની પરિસ્થિતિ જોવા માટે ઉમટેલા જોવા મળ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande