પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં 4 સપ્ટેમ્બર, 2025ની રાત્રે 11 વાગ્યાથી 5 સપ્ટેમ્બર, 2025ના સવારે 7 વાગ્યા દરમિયાન ચોરીની ઘટના બની હતી. આ ઘટનાએ ગામના ખેડૂતોમાં ચિંતા અને અસુરક્ષાનો માહોલ ઉભો કર્યો છે.
અજાણ્યા ચોરે બે અલગ-અલગ ખેતરોમાંથી કુલ રૂ. 20,000 કિંમતના તાંબાના કેબલ વાયર ચોરી લીધા છે. જેમાં ખેડૂતો જીતેન્દ્રકુમાર ઈશ્વરલાલ પટેલના ખેતરમાંથી રૂ. 15,000 કિંમતનો 35 MM નો 15 મીટર લાંબો જોન્સન કંપનીનો કેબલ ચોરાયો હતો, જ્યારે ભોજાસર તરીકે ઓળખાતા બીજા ખેતરમાંથી રૂ. 5,000 કિંમતનો 7 મીટર લાંબો તાંબાનો કેબલ ચોરી થયો છે.
આ ચોરી અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ