પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): ભાદરવી પૂનમના પવિત્ર અવસરે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારોમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. યુનિવર્સિટીના NSS કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાની 86 કોલેજોના 2000થી વધુ સ્વયંસેવકોએ આ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો.
સ્વયંસેવકોએ અંબાજી મંદિરથી 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં સફાઈ કામગીરી કરી, તેમજ સેવાના ભાગરૂપે ભોજન પીરસવું, પાણી વિતરણ અને પગરખાં કેન્દ્રોમાં સેવા આપવાની કામગીરી ભજવી. પદયાત્રીઓને ઘરેથી ગ્લાસ અને ડિશ લાવવા માટે પ્રેરણા આપવામાં આવી. 100થી વધુ સેવા કેમ્પોમાં પ્લાસ્ટિક વિમુક્તિ માટે શપથ લેવડાવવામાં આવ્યા અને એકત્રિત કરેલું પ્લાસ્ટિક બિસ્લેરી કંપનીને સોંપવામાં આવ્યું.
આ કામગીરીની NSS પ્રાદેશિક નિયામક કમલકુમાર કર અને યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરીયાએ પ્રશંસા કરી અને સ્વયંસેવકોના સેવા ભાવના અને પરિશ્રમને બિરદાવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ