પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): આદર્શ વિદ્યા સંકુલ, પાટણના પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો સાયન્સ સેમિનાર-2025 યોજાયો હતો. “ક્વોન્ટમ યુગની શરૂઆત: સંભાવનાઓ અને પડકારો” વિષય પર થયેલા આ સેમિનારમાં જિલ્લાભરના 93 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના ધોરણ 10ના વિદ્યાર્થી બારોટ ધાર્મિક દીપકકુમારે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમને શાળાના મદદનીશ શિક્ષક ડૉ. અલ્પેશભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું. ધાર્મિકને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે તે રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સેમિનારમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડૉ. સુમિતભાઈ શાસ્ત્રી, આદર્શ વિદ્યા સંકુલના મંત્રી ભરતભાઈ ચૌધરી, ડૉ. દર્શનભાઈ વ્યાસ, ડૉ. નીરવભાઈ ઠક્કર અને ડૉ. ઋષિબેન વિગેરે નિર્ણયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ધાર્મિકની પ્રતિભાની પ્રશંસા કરી હતી. શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આવી સફળતા સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. શાળા પરિવારે ધાર્મિક બારોટ તથા માર્ગદર્શક ડૉ. અલ્પેશભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ