સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ઇચ્છાપોર ખાતે આવેલ હીરાબુર્સમાં ગતરોજ એક કર્મચારી લિફ્ટ આવે છે કે નહીં તે જોવા માટે ગ્રીલ ખોલીને જોવા જતા પગ લપસવાને કારણે તે નીચે પટકાયો હતો. આ અકસ્માતને કારણે તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
ઇચ્છાપોર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કમારેજના ખોલવડ ગામ ખાતે આવેલ અકબરની વાડીમાં રહેતો મુકેશકુમાર રવીન્દ્ર મહંતો (ઉ.વ.22 ) નાઓ ઈચ્છાપોર હિરાબુર્શમાં આવેલ પ્લોટ નં.S1,S2 સુપરહાર્ડ રીસર્ચ સેન્ટર કંપનીમાં કામ કરતો હતો. દરમિયાન ગઈ કાલે બપોરે ત્રીજા માળેથી લોખંડની પ્લેટ લેવા માટે તેને નીચે જવાનું હતું. જેથી સામાન લેવા માટેની ગુડ્સ લીફ્ટનું બટન દબાવ્યા બાદ લીફ્ટ ઉપર આવે છે કે નહી તે જોવા માટે ગ્રીલ ખોલીને નીચે જોવા જતા તેનો પગ સ્લીપ થઈ ગયો હતો અને તે ત્રીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલ લીફ્ટની ઉપર પડી ગયો હતો. જેને કારણે તેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે 108 એમ્બ્યુલેન્સ દવારા એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે