પાટણ, 9 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઘણા ગામો સંપર્કવિહોણા બન્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા છે. પાટણ શહેરની વિવિધ સોસાયટીઓમાં પરિવારોને સુખડી અને થેપલા બનાવવાની અપીલ કરવામાં આવી, જેને લોકો તરફથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો.
માત્ર ત્રણ કલાકમાં 3,000થી વધુ ફૂડ કિટ તૈયાર કરવામાં આવી અને તે તરત જ એક ટીમ દ્વારા સાંતલપુર પહોંચાડવામાં આવી. મોડી રાત્રે પણ મહિલાઓ રસોડામાં કામે લાગી જઈ સંઘના સેવાકાર્યમાં ઉત્સાહભેર જોડાઈ હતી. 'સમાજ હૈ આરાધ્ય દેવ હમારા, સેવા હૈ આરાધના'ના સૂત્ર સાથે કાર્ય કરતાં સ્વયંસેવકો તથા સ્થાનિક લોકોએ મળીને આ કાર્યને સફળ બનાવ્યું.
આ માનવસેવા યજ્ઞમાં હિન્દુ સમાજના અનેક લોકોએ સહકાર આપ્યો. પાટણ જિલ્લા RSS એકમએ સહયોગ આપનાર તમામ પાટણવાસીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને આવાં સેવાકાર્યોમાં ભવિષ્યમાં પણ જનસહકાર મળતો રહે તેવી આશા વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ