
સુરત, 01 જાન્યુઆરી (હિ.સ.): ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો. આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે. વધુ વિગતો આપતા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ 6.93 લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. જે રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર(NTTF)ની લોકપ્રિયતા અને વ્યાપક અસર દર્શાવે છે.
આ મેળામાં 76 જેટલા ફૂડના સ્ટોલમાં આદિવાસી સન્નારીઓએ પરંપરાગત નીતનવી વાનગીઓ જેવી કે, ઢેકળા, રાગીના રોટલા, ઉબાડીયું, થેપલા, પનેલા, માલપુડા, મેથીના પુડા, ભડકું જેવી વાનગીઓના સ્ટોલ દ્વારા રૂ.1 કરોડથી વધુનું વેચાણ થયું હતું. જ્યારે ટ્રેડ અને ફેર સ્ટોલ્સમાંથી રૂ.4 કરોડથી વધુનું સીધું વેચાણ નોંધાયું હતું. સાથે જ રૂ.15 કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થતા આદિવાસી ઉદ્યોગકારો માટે રાષ્ટ્રીય બજાર સાથે જોડાવાની નવી તકો ઊભી થઈ હતી. આદિવાસી મેળાના કારણે સ્થાનિક દુકાનો, વેન્ડર્સ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસના વિસ્તારોને રૂ.5 કરોડથી વધુની પરોક્ષ આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી હતી.
મેળામાં ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળ્યું હતું. જ્યારે ૨ લાખથી વધુ ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી. આ ઉપરાંત 25,000થી વધુ ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ, 15,000થી વધુ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીએ મેળાને રાષ્ટ્રીય મહત્વ વધાર્યું હતું. દેશના ૧૨થી વધુ રાજ્યોની ભાગીદારી સાથે આ મેળો સાચા અર્થમાં ‘રાષ્ટ્રીય’ મંચ બન્યો હતો.
રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) દરમિયાન 7 મહત્વપૂર્ણ સેમિનાર અને સત્રો યોજાયા હતા. જેમાં ઉદ્યોગસાહસિકતા, MSME, આદિવાસી બિઝનેસ, સ્કિલ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સેસ જેવા વિષયો પર મળેલ માર્ગદર્શને આદિવાસી યુવાનો અને ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો. સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભારતના સૌથી વધુ જોવાયેલા આદિવાસી કેન્દ્રિત ઇવેન્ટ્સમાં સ્થાન પામ્યું છે, જેના થકી આદિવાસી ઉત્પાદનોને દેશભરમાં ઓળખ મળી.
આ મેળો આર્થિક સશક્તિકરણ, રોજગાર સર્જન અને રાષ્ટ્રીય બજાર સાથે જોડાણનું મજબૂત માધ્યમ બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે