



ભાવનગર/ગાંધીનગર, 10 જાન્યુઆરી (હિ.સ.) : ભાવનગરના પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
મહોત્સવના વિવિધ દિવસોમાં કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો તથા લોકાર્પણો યોજાશે. ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે.
મહોત્સવના પ્રથમ દિવસે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામિણ વિકાસ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર, રમતગમત તથા યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પ્રેસિડન્ટશ્રી પી. ટી. ઉષા, તેમજ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયા સહિતની ઉપસ્થિતિમાં મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.
રાજ્યપાલના વિશેષ કાર્યક્રમો
મહોત્સવના દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હણોલ ગામે રાત્રિ રોકાણ કરશે, જે ગ્રામિણ જીવન સાથે તેમની સીધી જોડાણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક પરીસંવાદ યોજવામાં આવશે, જેમાં ખેડૂતોને કુદરતી ખેતીના લાભો, અનુભવ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે રાજ્યપાલ પ્રભાત ફેરીમાં ગ્રામજનો સાથે જોડાશે તેમજ ગ્રામ સફાઈ અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપશે.
અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરી:
મહોત્સવના અન્ય દિવસોમાં ગુજરાતના રાજ્યપાલ સાથે સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ વિચારધારાના પ્રણેતા અને ઝોહો (Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, તેમજ રામાયણ સીરીયલના રામના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા અને સાંસદ અરુણ ગોવિલ પણ મહોત્સવને ગૌરવ આપશે.
આત્મનિર્ભરતા અને જનસહભાગિતાનો મહોત્સવ:
‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ દ્વારા ખેડૂત ભાઈઓ, યુવાનો, મહિલા સ્વસહાય જૂથો, કારીગરો અને ગ્રામ ઉદ્યોગકારોને નવી દિશા અને પ્રેરણા મળશે. પ્રાકૃતિક ખેતી, સ્થાનિક ઉત્પાદન, સ્વચ્છતા, આરોગ્ય અને ટેકનોલોજી જેવા વિષયો પર આ મહોત્સવ ગ્રામિણ વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે.
જનતાને આમંત્રણ:
આયોજકો દ્વારા હણોલ તથા આસપાસના ગામોના નાગરિકો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને તમામ જનતાને આ ત્રણ દિવસીય ઐતિહાસિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ