


પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યવ્યાપી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સિદ્ધપુર શહેર અને તાલુકાના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં સોમનાથ દર્શન માટે રવાના થયા હતા. આ યાત્રાને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સોમનાથ મહાદેવના દર્શનાર્થે જવા પૂર્વે સિદ્ધપુર તાલુકા અને શહેરના ભાજપના ભાઈઓ-બહેનો અમરનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થયા હતા. ત્યાં સમૂહ આરતી કરવામાં આવી હતી અને ‘નમઃ શિવાય’ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપરાંત APMC ચેરમેન વિષ્ણુભાઈ, રણજીતસિંહ સોલંકી, કૌશલભાઈ જોશી, મિહિર પાધ્યા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આરતી બાદ સોમનાથ જતી બસોને લીલી ઝંડી આપી યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ