
ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : 'શિક્ષણ' એ કોઈપણ સમાજના સર્વાંગીણ વિકાસનો મુખ્ય 'આધારસ્તંભ' છે.જેને સાકાર કરવા સમગ્ર આંજણા ચૌધરી સમાજના પ્રયત્નોથી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં જમિયતપુરા ખાતે અંદાજે રૂ.૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય 'વિશ્વ આંજણાધામ' આકાર પામશે.
જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા સહિત દાતા તથા સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ આંજણાઘામનો ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો.
ભવિષ્યની પેઢીને શિક્ષણ, સંગઠન અને સંસ્કારની ભેટ આપવા ઉભી કરાતી,આ સંસ્થાના ભૂમિ પૂજન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સમાજને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન કરતો આંજણા ચૌધરી સમાજનો 90% વર્ગ વહેલી સવારે જાગી મોડી રાત સુધી સતત કામ કરતો રહે છે. 10 % લોકો પોતાની રીતે સારી રીતે જીવી શકે તેવા સક્ષમ બન્યા છે, જ્યારે માત્ર બે ટકા વર્ગ આર્થિક રીતે સંપૂર્ણ સક્ષમ છે, માટે આ સમાજના સંપૂર્ણ સક્ષમ વર્ગે જ આગળ આવી સમાજના એ 90% વર્ગ ટકાના ઉત્કર્ષ માટે વિચારવું પડે, પહેલ કરવી પડે, જેના થકી નાનામાં નાનો વ્યક્તિ સમાજ ઉત્કર્ષની આ ભાવનામાં જોડાઈ શકે. સમાજના અગ્રગણ્ય લોકોએ પાછળ રહી ગયેલા લોકોનું વિચાર્યું અને તેમાંથી જ આ સંસ્થા બીજનો ઉદય થયો છે.
આ અંગે વિધાનસભા અધ્યક્ષશ્રીએ વધુમાં કહ્યું હતું કે, માત્ર પૈસાનું જ નહીં, પણ સમયનું દાન પણ સંસ્થાના નિર્માણમાં અતિ મહત્વનું છે. 20 વર્ષથી વિચારોમાં શિક્ષણ માટે ચાલતાં આ નિર્ણયને આજે એક દિશા મળી છે. સાથે દાન ભેગું કરવાનો જેટલું પડકાર છે, તેનાથી મોટો પડકાર તેને ખર્ચ કરવાનો છે, તેમ જણાવી શ્રી શંકરરભાઈ ચૌધરીએ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, ખર્ચ અને રોકાણની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની વ્યાખ્યા કરવા સંસ્થાના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો.
આ તકે રોકાણની વાત કરતા તેમણે ઉપસ્થિત સૌને જણાવ્યું હતું કે, ખરેખર રોકાણ યુવા શક્તિના ટેલેન્ટ માટે યુવા શક્તિની સ્કીલ પારખવા માટે કરવું જરૂરી છે. કોઈપણ કાર્યનું ધ્યેય માત્ર આર્થિક ઉપાર્જન ન હોવો જોઈએ. આપણા આદર્શો, સંસ્કાર અને શક્તિ છોડ્યા વગર પૈસાની પાછળ આયુષ્ય અને ખુશીયો ન ખોઈ બેસીએ તે પણ જરૂરી છે. આપણા બધા જ સંસ્કારોને સાચવતા પ્રગતિની દિશામાં સૌએ આગળ વધવાનું છે. જેમાં આપણે આધ્યાત્મિક શક્તિ પણ ડેવલપ કરવાની છે, જેની શરૂઆત ગર્ભ સંસ્કારથી કરવી પડશે. રાષ્ટ્ર માટે સમર્પિત, બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠ અને સારા સંસ્કારો વાળા ભવિષ્યના નાગરિકો ભારતને આપવા માટે માત્ર ગર્ભ સંસ્કાર એક ઉપાય છે.
માત્ર ભૌતિકતાનો વિચાર કરીશું તો તેમાં કંઈ ખૂટશે જ, માટે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયેલા આંજણા ચૌધરી સમાજના ભાઈ -બહેનોને વિશેષ વિનંતી કરતા શ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, કોઈપણ નાના મોટા પ્રસંગે ખોટા ખર્ચા ન કરતા આ પૈસો ભવિષ્યની પેઢી માટે ખર્ચાય તેવો બદલાવ લાવવાની અને વ્યવસ્થા કરવાનો સમય હવે આવી ગયો હોવાનું જણાવ્યું હતું.
અંતે તેમણે ‘આંજણા એટલે કોઈપણ પ્રકારનું વ્યસન ન હોય તે તેની મુખ્ય ઓળખ અને વ્યાખ્યા છે’ તેવું કહી યુવાનોને કોઈ પણ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને આશિર્વચન આપતા જણાવ્યું હતું કે, આંજણા ચૌધરી સમાજ દ્વારા જ્યારે આ ભવ્ય ઇતિહાસ રચાઇ રહ્યો છે, ત્યારે આ ભવનની નીવમાં શિક્ષણ, સંસ્કાર અને સંગઠન આ ત્રણ પાયાના બીજ રોપાયા છે. સમાજ ઉત્કર્ષની સુંદર ભાવનાથી આ ભવન નિર્માણ પામી રહ્યું છે, જેના માટે તેમણે સર્વે આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
ઉપરાંત સંગઠનની વાત સમજાવતા સ્વામીજીએ ફરીથી પ્રમુખસ્વામી મહારાજનું એક વાક્ય જણાવી બોધ આપ્યો હતો કે, સંસ્થાના નિર્માણ માટે ઝેર ખાઈને પણ સંપ રાખવોમાન સન્માન અને મોટપની ભાવના કે લાલસાથી દૂર રહી માત્ર પોતાનું કાર્ય નિષ્ઠાથી કરવું અને સકારાત્મક ચર્ચાઓ થકી સારી ઊર્જા મેળવી સમાજ માટે કાર્યરત રહેવા જણાવ્યું હતું.
મારો સમાજ, મારો પરિવાર, મારો ધર્મ, અને મારા રાષ્ટ્ર માટે હું શું કરી શકું છું તે વિચારવું, ક્યારેય સમાજ પરિવાર ધર્મ અને રાષ્ટ્રે મારા માટે શું કર્યું તેઓ વિચાર ન કરશો. એ સંદેશ સાથે જણાવ્યું હતુ કે, ‘ક્યારેય સમાજના કાર્ય માટે થાકીશ નહીં’ એ શ્રદ્ધાથી સૌએ ઉત્કર્ષ કાર્યમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
અંતે તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં કોઈપણ વહીવટી, મેનેજમેન્ટ માટે ભગવદ ગીતાથી ઉત્તમ કોઈ પુસ્તક નથી. માટે આપણા આવા ગ્રંથોને પણ યાદ રાખવા તથા તેનું સન્માન કરવા આગ્રહ કર્યો હતો.
આ પ્રસંગે સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સમાજના દાતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સામાજિક બદલાવ દ્વારા સામાજિક ક્રાંતિ માટે યુવા શક્તિમાં રોકાણ કરવું પડશે. 18 વર્ષ જો કોઈપણ સમાજ યુવાનો પાછળ ખર્ચે તો તે સમાજને અને ગુજરાતને ક્યારેય કોઈ વિકાસની ગતિ કરતા અટકાવી નહીં શકે. આ સાથે જ રાજ શક્તિ, વહીવટી શક્તિ, માતૃશક્તિ ,યુવા શક્તિ અને સમાજશક્તિ દ્વારા આ સુંદર કામગીરીની શરૂઆત બદલ અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર અને સમાજ એક સિક્કાની બે બાજુ બની કાર્ય કરશે તો ભારતને વિશ્વ ગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે.
આ પ્રસંગે વિશ્વ આંજણા ધામના પ્રમુખ મણીભાઈ ચૌધરીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણને ઈશ્વરે કંઈક આપ્યું છે તો સમાજ માટે સમાજના ઉત્કર્ષ માટે વાપરવું એ પુણ્ય કર્મ છે અને વિશ્વ આંજણાધામ એ એક બિલ્ડીંગ નથી પણ સેવા સંસ્કાર અને શિક્ષણનો સમન્વય છે.
આ પ્રસંગે વિશ્વ આંજણાધામના મહામંત્રી અમિતભાઈ ચૌધરી, મંત્રી નાનજીભાઈ ચૌધરી સહિત કરોડોના દાન સાથે સમાજ ઉત્કર્ષમાં સહભાગી બનનાર, આંજણા ચૌધરી સમાજના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ