
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : સાંતલપુરના હરશક્તિ પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા માટે લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી ઉગ્ર બની હતી. ઇક્કો ગાડીમાં આવેલા છ શખ્સોએ પંપના ફીલર મેન પર લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સાંતલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
પોલીસ મુજબ, 9 જાન્યુઆરી 2026ના રોજ બપોરે પચાણભાઈ શીવાભાઈ રબારી ફરજ પર હતા ત્યારે સફેદ ઇક્કો ગાડીના ચાલકને લાઇનમાં ઊભા રહેવા કહ્યું હતું. ગાડી વચ્ચે ઘુસાડતા ચાલક ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી શરૂ કરી હતી.
મામલો બગડતા પંપ મેનેજરે ગેસ વેચાણ બંધ કર્યું હતું. તે સમયે ઇક્કો ચાલકે પચાણભાઈને થપ્પડ મારી અને ગાડીમાં બેઠેલા અન્ય શખ્સો લાકડીઓ લઈને નીચે ઉતરી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફીલર મેન અને અન્ય કર્મચારીઓને ગડદાપાટુનો માર માર્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીઓની અટકાયત કરી હતી. પચાણભાઈ રબારીની ફરિયાદના આધારે સાંતલપુર પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે. પંચાલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ