
અંબાજી, 10 જાન્યુઆરી (હિ.સ.) : કહેવાય
છે કે સમય ગમે તેટલો બદલાય, પણ બાળપણની મિત્રતા ક્યારેય જૂની થતી નથી. આ ઉક્તિને સાર્થક કરતા
અંબાજી પ્રાથમિક શાળાના વર્ષ ૧૯૮૦ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શક્તિપીઠ અંબાજી
ખાતે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આશરે ૪૦ વર્ષ બાદ ટેકનોલોજી
અને સોશિયલ મીડિયાના માધ્યમથી એકઠા થયેલા આ મિત્રોએ માં અંબાના ચરણે શીશ ઝુકાવી
ધજા અર્પણ કરી હતી.વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાં સ્થાયી
થયેલા આ મિત્રોએ પાંચ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર એક વિશેષ 'કિડ્સ ગ્રુપ' બનાવી વિખરાયેલા સાથીઓને એકઠા કર્યા
હતા. વિવિધ ક્ષેત્રમાં કાર્યરત વ્યવસાય અને પરિવારની જવાબદારીઓ વચ્ચે પણ આ મિત્રો
દરરોજ ડિજિટલ માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહી જૂની યાદો વાગોળે છે. છેલ્લા પાંચ
વર્ષથી તેઓ નિયમિતપણે વર્ષમાં એકવાર મિલન કાર્યક્રમ યોજે છે.
આ મિલન કાર્યક્રમની વિશેષતા એ રહી કે
૫૦ વર્ષની ઉંમરે પહોંચેલા આ મિત્રોએ ફરી એકવાર બાળપણની રમતો રમીને ગ્રાઉન્ડ ગજવી
દીધું હતું. ગીત-સંગીત અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સૌએ પોતાના બાળપણના
સંસ્મરણો તાજા કર્યા હતા. બદલાયેલા અંબાજીમાં પોતાના જૂના સ્મરણો શોધવાનો આ
મિત્રોનો પ્રયાસ ખરેખર ભાવુક કરી દે તેવો હતો. કાર્યક્રમના ભાગરૂપે તમામ મિત્રોએ
ભક્તિભાવપૂર્વક માં અંબાના શિખરે ધજા ચઢાવી આશીર્વાદ મેળવ્યા હતા.
ગ્રુપના સભ્યોએ
જણાવ્યું હતું કે, આ મિલન માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી
થવા અને નિ:સ્વાર્થ મૈત્રીને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ છે. જે મિત્રો
કોઈ કારણસર આવી શક્યા ન હતા, તેમને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ એક
મિત્રનું અવસાન થયું તેને મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ