
સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.): સુરતના સુવાલી બીચ પર 9 જાન્યુઆરીથી શરૂ થયેલા સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલ 11 જાન્યુઆરી સુધી યોજાશે. પ્રથમ દિવસે સાંજના સમયે દીપ પ્રગટાવટ અને રંગબેરંગી કાર્યક્રમો સાથે ઉત્સવની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી.
ફેસ્ટિવલ દરમિયાન વિવિધ શાળાના બાળકો, યુવતીઓ અને મહિલાઓએ મનમોહક ગરબા અને સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત અને આધુનિક સંસ્કૃતિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
પ્રથમ જ દિવસે આશરે 1000થી વધુ સુરતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર બીચ ઉત્સવી માહોલથી ગૂંજતો રહ્યો હતો.
ફેસ્ટિવલને વધુ આકર્ષક બનાવવા લોકગાયક ઓસમાણ મીર અને તેમના પુત્ર આમિર મીરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્ટેજ પર આવતાની સાથે જ પિતા-પુત્રની જોડીએ સંગીતની રમઝટ બોલાવી દીધી હતી. ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઓસમાણ મીરે ‘શિવ તાંડવ સ્તોત્ર’ની પ્રસ્તુતિ કરતા સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. ત્યારબાદ વિવિધ લોકગીતો અને આધુનિક ગીતોથી હજારોની મેદની મોડી રાત સુધી ઝૂમી ઉઠી હતી.
ફેસ્ટિવલમાં મનોરંજન સાથે ખાણી-પીણી માટે પણ અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સ્થાનિક વાનગીઓથી લઈને ફાસ્ટ ફૂડ સુધીના સ્ટોલ લોકોમાં ખાસ આકર્ષણ બની રહ્યા છે.
પ્રથમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના કલેક્ટર, સાંસદ મુકેશ દલાલ સહિત અનેક રાજકીય નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ ફેસ્ટિવલના આયોજન અને વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે ગુજરાત કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે અને સુવાલીના દરિયાકિનારાને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓ સાથે વિકસાવવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. આ સ્થળ માત્ર પ્રવાસન કેન્દ્ર નહીં, પરંતુ સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે. ધારાસભ્ય સંદિપ દેસાઈએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરતની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને પ્રવાસન સુવિધાઓ સતત વિસ્તારી રહી છે.
સુવાલી બીચ ફેસ્ટિવલ સુરતીઓ માટે મનોરંજન, સંસ્કૃતિ અને પરિવાર સાથે આનંદ માણવાનો ઉત્તમ અવસર બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે