
અમરેલી, 10 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ સાવરકુંડલા તાલુકોમાં રૂ. 1.85 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ગાધકડા–વિજયાનગર રોડના વિકાસ કાર્યનું મહેશભાઈ કસવાળા દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન રોડના ગુણવત્તાસભર નિર્માણ, કામની ગતિ અને સમયમર્યાદા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
ધારાસભ્યશ્રીએ અધિકારીશ્રીઓ તથા કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી, પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા મટિરિયલની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપી. ખાસ કરીને ડ્રેનેજ વ્યવસ્થા, સાઇડ શોલ્ડર, રોડની પહોળાઈ અને સલામતીનાં ધોરણોનું પાલન થાય તે અંગે ભાર મૂકવામાં આવ્યો. કામ દરમ્યાન સ્થાનિક જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગાધકડા–વિજયાનગર રોડ વિસ્તારના ગ્રામજનો માટે મહત્વપૂર્ણ માર્ગ હોવાથી તેના પૂર્ણ થતાં વાહનવ્યવહાર સરળ બનશે, મુસાફરીનો સમય ઘટશે અને ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો બજારમાં પહોંચાડવામાં સગવડ મળશે. સાથે સાથે શૈક્ષણિક, આરોગ્ય અને વ્યાપારી પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
સ્થાનિક લોકોએ રોડ વિકાસ કાર્ય બદલ રાજ્ય સરકાર તથા ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો અને કામ સમયસર પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai