

પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગ દ્વારા ‘ફાર્મા ફ્યુઝન સેલિબ્રેશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષ 2026ના 123 નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અંતિમ વર્ષના 109 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
આ સમારંભ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરી તેમની ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કેમ્પસમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા અને નવા વિદ્યાર્થીઓને કોલેજની શૈક્ષણિક પરંપરાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હેમુજી રાજપૂત, અરવિંદસિંહ ચૌહાણ અને પરેશ પટેલ સહિત યુનિવર્સિટીના વિવિધ વિભાગોના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ