

પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી વાહનચાલકોને થતી જીવલેણ ઇજાઓ અટકાવવા પાટણ જિલ્લા RTO દ્વારા સિદ્ધપુરમાં વિશેષ અભિયાન હાથ ધરાયું છે. આ અંતર્ગત દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે લોખંડના સેફ્ટી ગાર્ડ લગાવી માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ અભિયાન સિદ્ધપુરના સદગુરુ સેન્ટર ખાતે યોજાયું હતું, જેમાં 150થી વધુ મોટરસાયકલ અને એક્ટિવા પર સુરક્ષા ગાર્ડ ફિટ કરવામાં આવ્યા. પતંગની કાતિલ દોરીથી ગળા અને શરીરને થતી ગંભીર ઇજાઓ અટકાવવાનો આ મુખ્ય હેતુ હતો.
નેશનલ રોડ સેફ્ટી માસ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં RTO ઇન્સ્પેક્ટર કે.એન. ચૌધરી તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. વિભાગે માર્ગ સલામતી અંગે હેન્ડબિલ વિતરણ કરી તહેવાર દરમિયાન સાવચેતી રાખવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ