
સોમનાથ, 10 જાન્યુઆરી (હિ.સ.) : વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે માત્ર આસ્થા જ નહીં, પરંતુ જ્ઞાન અને કલાનો પણ સમન્વય જોવા મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે આવતા શ્રદ્ધાળુઓ ભારતીય સંકૃતિ મંદિર સ્થાપત્ય કલાથી પરિચિત થાય તે માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવેલું 'મંદિર સ્થાપત્ય' (Temple Architecture) સંગ્રહાલય પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મ્યુઝિયમની રચના એવી રીતે કરવામાં આવી છે કે મુલાકાતીઓને ભારતીય સ્થાપત્ય શૈલીનું જ્ઞાન મળી રહે. અહીં પ્રાચીન કાળમાં મંદિરોના નિર્માણ માટે જે પદ્ધતિઓ વપરાતી હતી, તેનું તાદ્રશ વર્ણન કરવામાં આવ્યું છે.
સંગ્રહાલયમાં મંદિર શૈલીને આકૃતિઓ અને મોડેલ્સ દ્વારા સમજૂતી આપવામાં આવી છે.અને સોમનાથના ભૂતકાળના મંદિરોમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો, નકશીકામ કરેલા પથ્થરો અને મૂર્તિઓને અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રદર્શિત કરાયા છે અને આધુનિક યુગના મુલાકાતીઓને આકર્ષવા માટે લાઈટિંગ અને માહિતીપ્રદ બોર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આવનારી પેઢીને આપણી સનાતન સ્થાપત્ય કલા અને ભવ્ય વારસાથી દર્શન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાની ભાવના સાથે માત્ર ₹5 જેવી નજીવી ફી મંદિર સ્થાપત્ય' મ્યુઝિયમની મુલાકાતીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ