
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા ગામે રસ્તામાં બ્લોક નાખવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ એક જ પરિવારના બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા રમઝાનભાઈ થેબાએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, 10/01/2026ના રોજ સવારે રમઝાનભાઈ તેમના ભાઈ અનવર સાથે ઘરની બહાર હતા ત્યારે આરોપીઓ મોટરસાયકલ લઈને આવ્યા અને બ્લોક બાબતે બોલાચાલી કરી. તકરાર વધતા સુલેમાન અને નસરતખાને લાકડીઓથી રમઝાનભાઈ પર હુમલો કરી તેમને નીચે પાડી દીધા, જ્યારે વચ્ચે પડેલા અનવરને પણ લાકડીના ઘા મારવામાં આવ્યા.
બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ફરાર થયા હતા અને જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતલપુર પોલીસે આ મામલે BNS અને GP એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ